• વિરમગામ-બેચરાજી, ફેદરા-પીપળી, સાણંદ-બાવળા અને બગોદરા-ધંધુકા સહિતના મુખ્ય માર્ગો પર મરામત કાર્ય હાથ ધરાયું
(ફોટો વિજય મહેતા ડુમાણા દ્વારા)અમદાવાદ જિલ્લામાં ચોમાસુ હળવું થતાં ક્ષતિગ્રસ્ત માર્ગોના સમારકામની કામગીરી રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી દ્વારા નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરવાના દિશાનિર્દેશોના પગલે આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હેઠળ અમદાવાદ જિલ્લામાં કુલ 1041.47 કિ.મી.ની લંબાઈના રસ્તાઓ આવેલા છે. રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે, ત્યાં રોડ રિપેરિંગ અને પેચવર્ક કરીને રસ્તાઓને પુનઃ પૂર્વવત બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત વિરમગામ-બેચરાજી, ફેદરા-પીપળી, સાણંદ-બાવળા અને બગોદરા-ધંધુકા સહિતના મુખ્ય માર્ગો પેચવર્ક દ્વારા મરામત કરી માર્ગોને મોટરેબલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, રોડ મેઇન્ટેનન્સ અંતર્ગત અલગ અલગ સ્થળોએ જરૂરિયાત અનુસાર માર્ગ મરામતની કામગીરી કરવામાં આવી છે. જેમાં મીડિયન/ સેન્ટ્રલ વર્જ મેઇન્ટેનન્સ, થર્મોપ્લાસ્ટ પટ્ટાની કામગીરી, પેરાપેટ/રેલીંગ પેઇન્ટીંગની કામગીરી, જંગલ કટીંગ તથા વૃક્ષો પર ઘેરૂ – ચુનાની કામગીરી કરવામાં આવી રહી છે.
માર્ગની સલામતી અને જાળવણીના ભાગરૂપે પેરાપેટ/રેલીંગ પેઇન્ટીંગની કામગીરીમાં 507.43 કિ.મી.ની લંબાઈની કરવાપાત્ર કામગીરી પૈકી 237.3 કિ.મી. ની લંબાઈ પરની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે બાકી રહેલા 270.13 કિ.મી.ની લંબાઈ પર કામગીરી પ્રગતિમાં છે.
અત્યાર સુધીમાં 286.3 કિ.મી.ની લંબાઈના રસ્તાઓ પર જંગલ કટીંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે બીજા 245.35 કિ.મી. ની લંબાઈના માર્ગો પર કામગીરી પ્રગતિમાં છે. તે રીતે સાઈન બોર્ડની કામગીરી અંતર્ગત કરવાપાત્ર 259.5 કિમી પૈકી 242.8 કિમીની લંબાઈ પર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી સુનિશ્ચિત કરીને બાકી રહેલી તમામ મરામત કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે તંત્ર કટિબદ્ધ છે, જેથી પ્રજાજનોને સુગમ અને સુરક્ષિત પરિવહનની સુવિધા મળી રહે.
