Sanand News | ભારતીય જનતા પાર્ટી, સાણંદ તાલુકા દ્વારા આજે, મંગળવાર, 18 નવેમ્બરના રોજ “સરદાર @150 યુનિટી માર્ચ” પદયાત્રા કાર્યક્રમનું આયોજન અને સમાપન કરવામાં આવ્યું. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ ઐતિહાસિક પદયાત્રામાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉત્સાહભેર જોડાઈને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશો મૂર્તિમંત કર્યો હતો.
આ પદયાત્રામાં પ્રદેશના અગ્રણી આગેવાન દુષ્યંતભાઈ પંડ્યાએ મુખ્ય વક્તા તરીકે સંબોધન કરીને સરદાર સાહેબના આદર્શો અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કાર્યકર્તાઓને એકતા જાળવી રાખીને રાષ્ટ્રસેવામાં સમર્પિત રહેવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ માનનીય શૈલેશભાઈ દાવડાજી અને સાણંદ-બાવળા વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. પ્રદેશ અનુસૂચિત જાતી મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ગણપતભાઈ સેનવાની પદયાત્રામાં વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ધારાસભ્ય કનુભાઈ પટેલે સાણંદ તાલુકાના તમામ કાર્યકર્તાઓનો આટલી મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
સવારે 08:30 કલાકે સાણંદ ખરીદ-વેચાણ સંઘ ખાતેથી શરૂ થયેલી આ પદયાત્રા દરમિયાન કાર્યકર્તાઓ ‘સરદાર પટેલ અમર રહો’ અને ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારાઓ સાથે આગળ વધ્યા હતા. પદયાત્રાનું સમાપન રામાપીરના મંદિરે, રણમલગઢ ખાતે થયું હતું, જ્યાં સામૂહિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સાણંદ તાલુકા ભાજપના પ્રમુખ અને મહામંત્રીએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કાર્યકર્તાઓના અથાગ પ્રયાસોની સરાહના કરી હતી અને સૌનો આભાર માન્યો હતો.
