ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC)ની ટીમે ચોટીલા (Chotila) હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચોટીલા તાલુકાના નાની મોલડી ગામ પાસે આવેલી ‘વડવાળા દર્શન’ હોટલના કમ્પાઉન્ડમાંથી કપાસની આડમાં લઇ જવાતો રૂ.1.77 કરોડના દારૂ સહિત રૂ.2.13 કરોડના મુદામાલ સાથે 07 શખ્સોને ઝડપી પાડયા હતા.
ચોટીલા હાઈવે પર નાની મોલડી ગામ પાસે આવેલી ‘વડવાળા દર્શન’ હોટલના કંપાઉન્ડમાંથી SMCની ટીમે વિદેશી દારૂની 28,404 બોટલ (કિં.રૂ.1,77,81,360), ટ્રક અને પીકઅપ કિંમત (રૂ.35 લાખ), કપાસનું વેસ્ટ મટીરીયલના 205 બંડલ (કિં.રૂ.77,900) સહિત કુલ રૂ.2,13,61,70ના મુદામાલ સાથે 07 શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન અન્ય પાંચ શખ્સ હાજર મળી નહીં આવતા એસએમસીએ ૧૨ શખ્સ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. એસએમસીએ ઝડપી પાડેલો દારૂ પંજાબ, ચંડીગઢ, રાજસ્થાન અને મોહાલીની ડિસ્ટિલરીમાં બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઝડપાયેલા આરોપી
(1) મુકેશ વાલસિંગ માવી (2) બદીયા મંગુસિંગ દેવકા (3) પાતલીયા બેસી મસાનિયા (4) કુંવરસિંગ થાનસિંગ મીનાવા (5) રાકેશ વેરસિંગ મસાનિયા (6) નાંગરસિંગ કાલુસિંગ દેવકા અને કાલુ ભારુંભાઈ મસાનિયા (તમામ રહે. ભાણેજડા ગામ, તા.ચુડા, જિ. સુરેન્દ્રનગર)
વોન્ટેડ આરોપી
(1) સંજયભાઈ અનકભાઈ ખાચર (ઈંગ્લિશ દારૂ મંગાવનાર) રહે.નાની મોલડી, તા.ચોટીલા (2) રાજસ્થાન પાસિંગ ટ્રકનો ચાલક (3) ટ્રક માલિક (4) ટ્રક ક્લીનર અને (5) ઈંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર
SMCની રેઇડથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ
ચોટીલા હાઈવે પર આવેલ હોટલો સહિતના સ્થળો પરથી અવાર નવાર એસએમસીની ટીમ દ્વારા ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટિંગ ઝડપી ઝડપાયું છે. ત્યારે ફરી એકવખત ચોટીલા હાઈવે પર નાની મોલડી ગામ પાસેથી એસએમસી ટીમ દ્વારા ઈંગ્લીશ દારૂ સહિત રૂ.2.13 કરોડનો મુદામાલ કબજે કરતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ છે અને આ મામલે આગામી દિવસોમાં નવા જૂની થવાના એંધાણ પર વર્તાઈ રહ્યા છે.
