• રોયલ્ટીમાં છેડછાડ કરનાર સહિત બે વિરુધ ગુન્હો નોંધાયો
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રકારે ખનીજનો બેફામ ધંધો ચાલે છે તેમાં માત્ર ખનિજ માફીયાઓ જ જવાબદાર નથી તેની સાથે કેટલાક લીઝ ધારકો રોયલ્ટી વેચાણ કરી પણ ખનિજ માફિયાઓને પ્રોત્સાહન પૂરું પાડવાનો ધંધો કરી રહ્યા છે.
આ સાથે લીઝ ધારકો ખોટી રોયલ્ટી બનાવી સરકારી તંત્રથી વાચવા અને ખનીજના ધંધામાં વધુ કમાણી કરવા માટેની પેરવી કરતા હોય છે જેમાં આગાઉ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં બોગસ રોયલ્ટી બનાવવાનું મસમોટું કૌભાંડ હાથ લાગ્યું હતું. જોકે આ કૌભાંડમાં તંત્રના જ અધિકારીઓને રેલો આવે તે પહેલા જ તેને દબાવી દેવામાં આવ્યું હતું.
પરંતુ ફરી એક વખત રોયલ્ટીમાં છેડછાડ કરી રોયલ્ટી ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગના સ્ટાફ દ્વારા લીંબડી હાઈવે ખનિજ વહન સામે કાર્યવાહી કરતા હોય તે દરમિયાન સમલા ગામ પાસેથી જીજે ૦૪ એ એક્સ ૯૭૬૧ નંબરનું ડમ્ફર સાદી રેતી ભરેલું હોવાની માહિતીને આધારે ખાણ ખનિજ વિભાગની ટીમ આ ડમ્ફર અટકાવી તપાસ કરતા ડમ્ફર ચાલકે રોયલ્ટી દર્શાવી હતી જેમાં ૩૩.૩૦૦ મેટ્રિક ટન રેતીની રોયલ્ટી હતી.
પરંતુ ખનિજ વિભાગના સ્ટાફને રોયલ્ટીમાં અજુગતું લાગતા રોયલ્ટી અંગે ઉંડાણપૂર્વક તપાસ કરતા ખરેખર આ રોયલ્ટી ૧૩.૩૦૦ મેટ્રિક ટનની નીકળી હોય જેમાં છેડછાડ થયું હોવાનું સામે આવતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા અમરકૃપા એન્ટર પ્રાઈઝના રાજેશભાઈ કાળુભાઇ ખાચર તથા રોહિતભાઈ કાનજીભાઈ સાંકળિયા વિરુધ લીંબડી પોલીસ મથકે ખોટી રોયલ્ટી ઊભી કરવા બદલ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
• આગાઉ કેટલી રોયલ્ટી છેડછાડ કરી તે અંગે તપાસ જરૂરી…
” ડમ્ફરમાં ભરેલી ૩૩.૩૦૦ મેટ્રિક ટન રોયલ્ટી સામે ખરેખર ૧૩.૩૦૦ મેટ્રિક ટનની જ રોયલ્ટી કાઢવામાં આવી હતી. જે રોયલ્ટી છેડછાડ કરી બાદમાં ડમ્ફર ચાલકને ખોટી રોયલ્ટી પકડાવી દીધી હતી જોકે ખનિજ વિભાગના સ્ટાફ આખાય કાંડને ઉજાગર કર્યું હતું પરંતુ આ પ્રકારે કેટલા સમયથી ધંધો ચાલતો હતો અને અત્યાર સુધીમાં કેટલી રોયલ્ટી છેડછાડ કરી ચોરી કરી તે અંગે તપાસ થાય તો મોટું કૌભાંડ હાથ લાગે તેવી શક્યતા છે.”
