- વિદેશી પક્ષીઓ પણ જોવા મળશે, 7થી 14 જૂન સુધી પર્યટકો માટે અભયારણ્ય ખુલ્લું રહેશે
Dhrangadhra News | કચ્છના નાના રણમાં આવેલું ઘુડખર અભયારણ્યને પર્યટકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. ઘુડખર અભયારણ્ય આશરે 4953 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. 7 ઓક્ટોબરથી 14 જૂન સુધી પ્રવાસીઓ અભયારણ્યની મુલાકાત લઈ શકશે.
અભયારણ્યમાં દુર્લભ ઘુડખરની પ્રજાતિઓ જોવા મળે છે. જે દર વર્ષે હજારો પર્યટકોને આકર્ષે છે.અભયારણ્યમાં ઘુડખર ઉપરાંત રણ લોકડી અને વરુ જેવા અન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે. શિયાળાની સીઝન શરૂ થતા જ અહીં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું પણ આગમન થાય છે. જે પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણનું કેન્દ્ર બને છે.
સરકાર અને વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ પ્રત્યે સંવેદના જાળવવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરોનું આયોજન કરવામાં આવે છે.જેમાં પર્યટકોને પ્રાણીઓ વિશે સમજણ આપવામાં આવે છે. ઘુડખરના પ્રજનનના સમયને લીધે અભયારણ્યને જૂન મહિના બાદ પર્યટકો માટે બંધ કરવામાં આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં આ રણની મુલાકાત લેનાર પર્યટકોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. ઘુડખરના વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરાયા બાદ તેમની સંખ્યામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. વર્ષ 2024માં થયેલી ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 7672 જેટલી નોંધાઈ છે અને તેમાં હજુ પણ સતત વધારો થઈ રહ્યો છે.
