• કર્મચારી સાથે દાદાગીરી કરનાર માફીયાઓ સામે કડક કાર્યવાહી •
થાનગઢ પંથકમાં કોલસાની ખનિજ ચોરી કરતા ખનિજ માફીયાઓ વિરુધ પ્રાંત અધિકારીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં થાનગઢ પંથકના જામવાડી ખાતે કોલસાનું ગેરકાયદેસર ખનન કરતા ખનિજ માફિયાઓને ખનિજ ચોરી કરતા ઝડપી લેવા માટે પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા દરોડો કરાયો હતો.
આ દરોડામાં રણુભાઈ દાનાભાઈ અલગોતર તથા વિજયભાઈ રણુભાઈ અલગોતર રહે: બંન્ને જામવાડી વાળા પોતાના મળતિયાઓને સ્થળ પર બોલાવી દરોડો કરવા આવેલા કર્મચારીઓ સાથે માથાકુટ કરી ખનિજ ચોરીમાં વપરાશ થતા ઝડપી પાડેલ વાહનો અને મુદામાલ કર્મચારીઓ સાથે દાદાગીરી કરી છોડવી લઈ ગયા હતા.
જે બાદ બંને પિતા-પુત્ર ખનિજ માફીયાઓ સામે ચોટીલા પ્રાંત અધિકારી સમક્ષ હાજર થવા ફરમાન કર્યું હતું પરંતુ બંને પિતા પુત્ર પ્રાંત અધિકારીના આદેશને પણ ઘોળીને પી જતા અંતે બંને શખ્સો વિરુધ પ્રાંત અધિકારી દ્વારા લાલઆંખ કરી મિલકત જપ્તી કરવાનો હુકમ કર્યો હતો જેમાં ખનિજ માફિયા રણુભાઈ દાનાભાઈ અલગોતરના જામવાડી અને ગુગલીયાણા ગામમાં આવેલા બે પ્લોટ અને ત્રણ ખેતી લાયક જમીનોના કુલ 12,55,392 રૂપિયાની મિલકત જપ્ત કરવાની હુકમ કરતા ખનિજ માફિયાઓના ફફડાટ વ્યાપી ગયો છે.
