Than News | ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને તેમની ટીમ દ્વારા થાન તાલુકાના અભેપર ગામમાં ગેરકાયદે ચાલતા કોલસાના ખનન પર દરોડો પાડી 17.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વોટ્સએપ મેસેજ દ્વારા મળેલી ફરિયાદના આધારે તંત્રએ આ આકસ્મિક કાર્યવાહી કરી હતી.
કાર્યવાહીની મુખ્ય વિગતો:
-
દરોડો અને રેસ્ક્યુ: અભેપર ગામની ખાનગી માલિકીની જમીનમાં ગેરકાયદે કોલસાનો કૂવો ખોદી ખનન કરવામાં આવતું હતું. દરોડા દરમિયાન કૂવામાંથી 9 મજૂરોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
-
જપ્ત કરેલ મુદ્દામાલ: સ્થળ પરથી 3 ટ્રેક્ટર, કમ્પ્રેસર મશીન, ચરખી, 4 બકેટ અને 19 નંગ સુપર પાવર નાઈટિંગ વિસ્ફોટક સહિત કુલ 17.30 લાખનો સામાન સીઝ કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડાયો છે.
-
કાયદેસરની કાર્યવાહી: જમીનના કબજેદાર ગોરધનભાઈ છનાભાઈ ઝેઝરીયા અને કોન્ટ્રાક્ટર જયેશભાઈ સવશીભાઈ મકવાણા સામે લેન્ડ ગ્રેબિંગ તથા તડીપારની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઉપરાંત ગામના સરપંચ અને તલાટી સામે પણ નિયમ મુજબ પગલાં લેવામાં આવ્યા છે.
ભૂમાફિયાઓ સામે લાલ આંખ: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જાહેર કરાયેલા વોટ્સએપ નંબર પર રાત્રિના સમયે વિસ્ફોટક ભડાકા થતા હોવાની માહિતી મળી હતી. આ વિસ્તારમાં ગેરકાયદે ખનન રોકવા માટે તંત્ર દ્વારા આગામી સમયમાં વધુ કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.
