• ૨ જાન્યુઆરીથી ૮ જાન્યુઆરી સુધી વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સેવાભાવી કાર્યક્રમોનું આયોજન
ધ્રાંગધ્રા શહેર ખાતે આવેલા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળના સ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે તા. ૨ જાન્યુઆરીથી તા. ૮ જાન્યુઆરી દરમ્યાન આયોજિત ભવ્ય જનમંગલ મહોત્સવ કાર્યક્રમનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. આ મહોત્સવ અંતર્ગત જનમંગલ યાત્રા કથાની શરૂઆત થતાં જ સંસ્કારધામ ગુરુકુળ પરિસર ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહના માહોલથી ગુંજી ઉઠ્યો હતો.

જનમંગલ યાત્રા કથાના પ્રારંભ પ્રસંગે સંસ્કારધામ મંદિરના મહંત પ્રેમ પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામીના પાવન સાન્નિધ્યમાં વિધિવિધાન સાથે કથાવાચનનો આરંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે ધ્રાંગધ્રા સહિત સુરેન્દ્રનગર જિલ્લા તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી હજારો હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જનમંગલ યાત્રા કથાનું ભાવપૂર્વક રસપાન કર્યું હતું.
હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિને કારણે સમગ્ર સંસ્કારધામ ગુરુકુળ પરિસર ભક્તિમય વાતાવરણમાં પરિવર્તિત થઈ ગયો હતો. જનમંગલ મહોત્સવ દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ, કથા, ભજન, કીર્તન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સમાજસેવા અને માનવકલ્યાણના સંદેશ સાથે ઉજવાઈ રહ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે જનમંગલ મહોત્સવ અંતર્ગત આગામી તા. ૪ જાન્યુઆરીના રોજ સંસ્કારધામ ગુરુકુળ ખાતે નિર્માણ પામેલી મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કરકમળે થનાર છે. આ પ્રસંગે અનેક સંતો, મહાનુભાવો તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે.
આ સાથે ભવ્ય શાકોત્સવ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને નાગરિકો ભાગ લેશે. જનમંગલ મહોત્સવના આજથી પ્રારંભ થયેલા કાર્યક્રમોમાં રાજ્યભરના હરિભક્તો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. આગામી દિવસોમાં યોજાનારા વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સેવાભાવી કાર્યક્રમો દ્વારા જનમંગલ મહોત્સવને વધુ ભવ્ય અને યાદગાર બનાવવાની તૈયારીઓ આયોજક સમિતિ દ્વારા કરવામાં આવી છે.

