• દોઢેક મહિના અગાઉ બે કારમાંથી ચાર હથિયાર અને 41 કાર્ટિઝ મળી આવ્યા હતા
ધ્રાંગધ્રા–માલવણ હાઈવે પર ગત તા. 24 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)ની ટીમ દ્વારા શંકાસ્પદ હાલતમાં પસાર થતી બે કારને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને કારમાંથી કુલ ચાર ગેરકાયદેસર હથિયારો તથા 41 નંગ જીવતા કાર્ટિઝ મળી આવતા પોલીસ તંત્રમાં ચકચાર મચી હતી. આ મામલે પોલીસે કારમાં સવાર ત્રણ શખ્સોને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા, જ્યારે બે શખ્સો ફરાર થઈ ગયા હતા. આ અંગે કુલ પાંચ શખ્સો વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગુનામાં ફરાર શખ્સ લતીફ સલીમભાઈ જેડા (રહે. માળિયા)ને સ્થાનિક પોલીસ ટીમે સઘન શોધખોળ બાદ ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે રજુ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
