• રોડની સાઈડમાં દુકાન ધરાવતા વેપારીઓ દ્વારા આંદોલનની ચીમકી.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો મીઠા ઉધોગનો હબ ગણવામાં આવે છે ત્યારે મોટાભાગે અહીંથી ઉત્પાદન થતું મીઠું જિલ્લા મથક અને અન્ય જિલ્લાઓમાં પહોંચાડવા માટે પાટડીથી સુરેન્દ્રનગર સુધીના ફોરલેન હાઈવેનું નિર્માણ થતું હતું.
પરંતુ હાલ કોઈપણ કારણોસર આ કામગીરી અટકીને પડી છે જેના લીધે હાઈવે નિર્માણનું અધૂરું કામ હોવાથી રોડની સાઈડમાં દુકાન ધરાવતા દુકાનદારોને છેલ્લા કેટલાય મહિનાથી ધંધા રોજગારી ઠપ્પ પડ્યા છે.
આ તરફ અનેક મહિનાઓથી ધંધા રોજગાર બંધ પડેલા વેપારીઓ પણ હવે અકળાયા છે. જેમાં વેપારીઓ દ્વારા જણાવ્યું હતું કે “અનેક મહિનાથી ખોદકામ કરીને મૂકેલા રોડ પર આગળ કામગીરી કરવામાં આવતી નથી જેના લીધે દુકાન ધરાવતા વેપારીઓને હવે ગ્રાહકો પણ નથી આવતા અને રોજગારી ઠપ્પ પડ્યા છે.
ત્યારે જો આગામી દિવસોમાં આ રોડનું તાત્કાલિક કામ શરૂ કરવામાં નહીં આવે તો ન છૂટકે વેપારીઓ દ્વારા આંદોલન કરવાની ફરજ પડશે” તેવામાં જે પ્રકારે વેપારીઓને તકલીફનો સામનો કરવો પડે છે તેવી જ રીતે અહીંથી નીકળતા રાહદારીઓને પણ ભારે મુશ્કેલી પડી રહી છે જેને લઇ અધુરા કામને પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે.
