• ચાર પરપ્રાંતીય મજૂરોને માર મારવાના પ્રકરણમાં ગ્રામજનો પર ગુન્હો નોંધાવા માંગ
સુરેન્દ્રનગર: ઝાલાવાડ પંથકમાં મોટાભાગે ખેત મજૂરી કામ કરવા માટે પરપ્રાંતીય મજૂરોને ઉપયોગ કરવામાં આવે છે જેમાં આ મજૂરો છોટાઉદેપુર, ગોધરા, અને મધ્યપ્રદેશના વાતની હોય છે.

ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના સરવાલ ગામે છેલ્લા ચારેક વર્ષથી વાડીએ ખેત મજૂરી કામ કરતા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પરપ્રાંતીય મજૂરો જે વાડીમાં કામ કરતા હોય ત્યાં રાત્રીના સમયે ભૂંડ આવતા આ ભૂંડને ભગાડવા માટે ચારેક જેટલા મજૂરો વાડીની બહાર ગયા હતા અને થોડે દૂર બે મજૂરો કેનાલના રસ્તે ભૂંડને ભગાડવા ગયા હતા.
જ્યારે અન્ય બે મજૂરો રોડ પર ઊભા હોય તેવા સમયે સરવાલ ગામના કેટલાક ગ્રામજનો દ્વારા રોડ પર ઉભેલા મજૂરો પર ચોરીનો આરોપ નાખી માર મારવામાં આવ્યો હતો આ સાથે ચારેય મજૂરોને ગોંધી રાખવાનું પણ સામે આવ્યું હતું.
જોકે ગ્રામજનો દ્વારા સતત મજૂરોને ટોર્ચર કરવા છતાંય કોઈ ચોરીની કોઈ ચીજવસ્તુઓ મળી આવી ન હતી જેથી અંતે ચારેય મજૂરોને છોડી મૂકવામાં આવ્યા હતા અને મજૂરીના બાકી નીકળતા રૂપિયા આપ્યા વગર ગામ ખાતેથી હાંકી કઢાયા હતા.
આ તરફ ચારેય મજૂરો પોતાના ગામ નસવાડી ખાતે જઈ સમગ્ર બાબતની ચર્ચા કરી હતી જે બાદ તેઓના ગામ નસવાડી ખાતે સમાજના આગેવાન દ્વારા છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટરને આ અંગે જાણ કરી રજૂઆત કરી હતી.
પરંતુ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાની હોવાથી પીડિત મજૂરો સહિત સમાજના આગેવાનો વકીલને લઈ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અને જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને મજૂરોને ખોટી રીતે માર મારવાના આક્ષેપ સાથે ન્યાયની માંગણી કરી હતી.
