(દિનેશભાઇ કોશિયા દ્વારા)ચોટીલામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત શનિવારે ચોટીલા તાલુકામાં સ્વયંસેવકો દ્વારા ઘોડાં અને બેન્ડ સાથે રેલી કાઢવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલી આ રેલી આણંદપુર રોડ, ટાવર ચોક મેન બજાર અને રામચોક સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. શહેરના લોકોએ સ્વયંસેવકો પર ફૂલ વર્ષાવી સ્વાગત કર્યું હતું.

રેલી સમાપ્ત થયા બાદ નવા ઝરીયા મહાદેવ મંદિર અને ખોડીયાર આશ્રમ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંઘની ૧૯૨૫ થી ૨૦૨૫ સુધીની ૧૦૦ વર્ષની યાત્રા અને ‘સર્વે ભવન્તુ સુખિન, સર્વે સન્તુ નિરામયા’ ના સૂત્રને હૃદયસ્થ કરી હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને સમાજના સંરક્ષણ તથા હિન્દુ રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ માટે સંઘના કાર્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિજયાદશમીના પર્વને પ્રભુ શ્રી રામના રાવણ પર વિજય, અજ્ઞાન પર જ્ઞાનના વિજય અને આસુરી શક્તિ પર સજ્જન શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં પ્રાર્થના, પરિચય, અમૃતવચન, બૌદ્ધિક વક્તવ્ય અને ગીત સહિતના વિવિધ વિભાગોનો સમાવેશ થતો હતો. અતિથિ વિશેષ તરીકે પૂ. બ્રહ્મચારી બાપુ, ખોડીયાર આશ્રમ, નવા ઝરીયા, મહાદેવ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર વિભાગના પ્રચારક રામસિંહભાઈ બારડે વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત, ધ્વજાવતરણ અને શસ્ત્ર પૂજન જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા.
આ કાર્યક્રમ યુગાબ્દ ૫૧૨૭, વિક્રમ સંવત ૨૦૮૧, આસો સુદ બારસ (૦૪ ઓક્ટોબર ૨૦૨૫, શનિવાર) ના રોજ યોજાયો હતો. પથ સંચાલન સાંજે ૪ થી ૫ દરમિયાન થયું હતું, જ્યારે જાહેર કાર્યક્રમ સાંજે ૫.૧૫ વાગ્યાથી જુની મામલતદાર કચેરી પાસે (બ્લોક), કોર્ટની સામે, ચોટીલા ખાતે યોજાયો હતો.
