ધ્રાંગધ્રા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાની ફરજ બજાવી રહેલા એક પોલીસ કર્મચારી અને એક હોમગાર્ડ જવાન પર બોલેરો કારના ચાલકે કાર ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પોલીસે આરોપી કાર ચાલકને કાર સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
નરશીપરા વિસ્તારમાં ઘટના
શનિવારે મોડી સાંજે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ કર્મચારી મહેન્દ્રસિંહ કરસનભાઈ સોલંકી અને હોમગાર્ડ જવાન રાજદીપસિંહ ઝાલા શહેરના નરશીપરા વિસ્તાર ખાતે ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતા. આ સમયે રોકડિયા સર્કલ તરફથી આવી રહેલી એક બોલેરો કાર (નંબર GJ 13 AX 1405) ને ફરજ પરના જવાનોએ અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો.
કાર ચાલકે ઇરાદાપૂર્વક હુમલો કર્યો
કાર ચાલકે કાર અટકાવવાને બદલે પૂર ઝડપે પોલીસ કર્મચારી મહેન્દ્રસિંહ સોલંકી અને હોમગાર્ડ જવાન રાજદીપસિંહ ઝાલા પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં બંને કર્મચારીઓને ઈજાઓ પણ પહોંચી હતી.
આરોપીની ધરપકડ
હત્યાના પ્રયાસની આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. બોલેરો કાર ચાલક મેહુલભાઈ હીરાભાઈ ખરગીયા (રહે: મૂળી) ને તેની બોલેરો કાર સાથે ઝડપી લેવામાં આવ્યો છે.ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ (IPC 307) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
