Botad News | બોટાદના હડદડ ગામે ખેડૂત અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ત્રણ આરોપીઓને જામીન મંજૂર કર્યા છે. પોલીસે આ કેસમાં કૂલ 84 લોકો સામે ફરિયાદ નોંધી હતી, જેમાંથી 68 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 13 ઓક્ટોમ્બરના રોજ વિનુભાઈ મોહનભાઇ ધોરીયા, ઓઢાભાઈ હરજીભાઈ ધોરીયા તથા રાજેશભાઈ પુનાભાઈ ધોરીયાનો સમાવેશ થાય છે.
પોલીસે ત્રણેયની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા પ્રથમ જામીન અરજી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટએ નામંજૂર કરતા તમામને ભાવનગર જેલ ખાતે સોંપી દેવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટમાં જમીન રદ થતા ત્રણેય ખેડૂતો ગુજરાત હાઇકોર્ટના વકીલ સાવન ડી. મોઘરીયા દ્વારા ગુજરાત હાઇકોર્ટ ખાતે જામીન અરજી દાખલ કરી હતી. જ્યા વકીલ સાવન ડી. મોઘરીયાએ ધારદાર દલીલોને લઈ ધરપકડ થયેલ ત્રણ ખેડૂતોને ચાર્જ શીટ પહેલા જામીન પર મુક્ત કરાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ ઘટના 12 ઓક્ટોબરે હડદડ ગામે બની હતી. કપાસમાં કડદાના મુદ્દે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ દરમિયાન કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પરિણામે, પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો.
પોલીસે ગેરકાયદેસર રીતે અને મંજૂરી વગર મહાપંચાયત યોજીને પોલીસ પર પથ્થરમારો કરવા બદલ 84 લોકો સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી.
