• ધ્રાંગધ્રા હોસ્પિટલના ઉદ્ઘાટન સહિત સુરેન્દ્રનગરમાં વિકાસકામોના લોકાર્પણ કાર્યક્રમ રદ
સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવનાર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આવતી કાલના તમામ કાર્યક્રમો રદ રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કોઈ અનિવાર્ય કારણોસર મુખ્યમંત્રીના રવિવારે યોજાનાર તમામ કાર્યક્રમોને અંતિમ ક્ષણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કાર્યક્રમોમાં ધ્રાંગધ્રા ખાતે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન યોજાવાનું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરમાં કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજરી આપવાના હતા.
તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસકામોના લોકાર્પણ કાર્યક્રમો પણ મુખ્યમંત્રીના હસ્તે યોજાવાના હતા. એક જ દિવસે મુખ્યમંત્રીના કુલ ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવાના હતા, પરંતુ હાલ કોઈ કારણોસર મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવતા કાર્યક્રમોની તૈયારીઓમાં જોડાયેલા સ્થાનિક તંત્ર અને આયોજકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
