એક મહિલા સહિત પાંચ વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ગુનો નોંધાયો
ધ્રાંગધ્રા શહેરના તબીબને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી તોડ કરવાનો પ્રયાસ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે એક મહિલા સહિત પાંચ શખ્સો વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધ્રાંગધ્રા શહેરમાં “ડોકટર હાઉસ” તરીકે ઓળખાતી ખાનગી હોસ્પિટલ ચલાવતા તબીબ આશિષ શાહ ૧૧ માર્ચના રોજ પોતાની કાર લઈને અમદાવાદ જવા નીકળ્યા હતા. તે દરમિયાન માલવણ ટોલ ટેક્સ નજીક હાઈવે પર એક મહિલા સહિત ચાર શખ્સોએ તેમની કાર રોકાવી હતી. આરોપીઓએ પોતાની ઓળખ ચેકિંગ કરતા હોવાની આપી કારની તપાસ શરૂ કરી હતી.
આ ટોળકીમાં રહેલી મહિલા પાસે કેમેરો હતો જ્યારે બે શખ્સો ખાખી કપડાંમાં અને એક સિવિલ ડ્રેસમાં હતો. કારની તપાસ દરમિયાન મહિલાએ કારમાંથી સફેદ પાવડરની પોટલી બતાવી તેને ડ્રગ્સ હોવાનું કહી તબીબ પર દબાણ કરવાનું શરૂ કર્યું હતું. જોકે તબીબને સમગ્ર ઘટનામાં કંઈક શંકાસ્પદ લાગતાં તેમણે પ્રતિકાર કર્યો હતો. અંતે રકઝક બાદ ટોળકીએ “જરૂર પડશે તો ફરી બોલાવીશું” કહી તબીબને જવા દીધા હતા.
આ તરફ તબીબ અમદાવાદ પહોંચ્યા બાદ હોટલમાં કામ કરતા કર્મચારીના સાઢુ કેતનભાઈ હસમુખભાઈ રાવલે પોતે આઈ.બી.માં હોવાની ઓળખ આપી ફોન પર સંપર્ક કર્યો હતો અને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની માહિતી મળી હોવાનું જણાવી ફરિયાદ નહીં કરવા દબાણ કર્યું હતું. પરંતુ તપાસ કરતા તે વ્યક્તિ આઈ.બી.માં નહીં હોવાનું બહાર આવતા સમગ્ર બનાવનો ભાંડો ફૂટ્યો હતો. અંતે તબીબે બજાણા પોલીસ મથકે કેતનભાઈ હસમુખભાઈ રાવલ, એક અજાણી મહિલા તથા ત્રણ અજાણ્યા શખ્સો સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. બનાવ અંગે બજાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
