ભારે વાહનની ઠોકરથી વીજપોલ જમીન પર પટકાયો, શોર્ટસર્કિટથી ચકચાર
ધ્રાંગધ્રા શહેરના ક્લબ રોડ વિસ્તારમાં વહેલી સવારે અચાનક બનેલી ઘટનાથી થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મુજબ, એક ભારે વાહન પસાર થતી વખતે રસ્તા કિનારે આવેલ વીજપોલને જોરદાર ઠોકર મારતા વીજપોલ ધરાશાહી થઈ જમીન પર પટકાયો હતો. વીજપોલ પડતા જ વીજતારમાંથી ચિંગારીઓ ઉડી શોર્ટસર્કિટ થતા આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ હતી. ઘટનાની જાણ તાત્કાલિક વીજ વિભાગને કરવામાં આવતા પીજીવીસીએલના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સુરક્ષાના હેતુસર વીજપ્રવાહ બંધ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. વીજ વિભાગ દ્વારા તૂટી પડેલા વીજપોલને હટાવી અને મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદભાગ્યે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જોકે અચાનક બનેલી આ ઘટનાથી થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ભારે વાહનોની અવરજવર વધારે હોવાને કારણે આવા બનાવો બનવાની શક્યતા રહેતી હોય છે, જેથી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે.
