પ્રથમ વખત ચૂંટાયેલ સભ્યોએ હવે કારોબારી ચેરમેન બનાવની હઠ પકડી
ધ્રાંગધ્રાના રાજકારણમાં આગામી દિવસોમાં ભારે ગરમાવો જોવા મળે તેવા એંધાણ નજરે પડે છે. ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતા ભાજપ પાસે 32 અને કોંગ્રેસ પાસે 4 બેઠકો છે ત્યારે ભાજપની કેટલીક બેઠકો બિન હરીફ થઈ હતી જેને લઇ ભાજપ નગરપાલિકામાં પોતાની સત્તા ટકાવી રાખવામાં સફળ થઈ છે પરંતુ ભાજપને બહુમતી સાથે સત્તા મળી હોવા છતાં પણ હવે નગરપાલિકામાં મહત્વના ત્રણ હોદ્દા માટે ખેલ શરૂ થયો છે જેમાં પ્રમુખ તરીકે સામાન્ય સ્ત્રી અનામત હોવાથી પુરુષ સભ્યો કારોબારી ચેરમેન બનવા તરફ વળ્યા છે. જોકે કારોબારી ચેરમેન બનવા માટે જુના અને પક્ષ માટે વર્ષોથી કામગીરી કરનાર બીજી અથવા ત્રીજી ટર્મ સભ્ય બનેલા કરતા નવા નિશાળિયાઓ વધુ ઠેકડા માટે દેખાય છે. જેમાં એક સમયે સતત વિરોધ કરતા અને માત્ર સભ્ય બનવાનું સ્વપ્ન જોવાનું કહીને ભાજપ પાસે સ્થાનિક સ્વરાજની ટિકિટ માંગી લાવેલા હવે સભ્ય બની જતા કારોબારી ચેરમેન બનવાના અભરખા જગ્યા છે આવા સભ્યો પણ હવે પોતાના સમાજના પ્રભુત્વના લીધે ભાજપને બ્લેકમેઇલ કરી ધરાર કારોબારી ચેરમેન બનવા માટે હઠ પકડી છે. જોકે ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ થોડા જ સમયમાં સભ્યોને ટિકિટ આપવાની ભૂલ સમજાઈ છે. ત્યારે એક સમયે સતત વિરોધ કરતા હવે ટિકિટ મળી વિજય થયેલા સભ્યો શાંત પડી ગયા છે પરંતુ હવે સભ્યને કારોબારી ચેરમેન બનવાનો નવો ઉમળકો આગામી સમયમાં ધ્રાંગધ્રા ભાજપ માટે મોટું ધર્મ સંકટ ઉભું કરે તેવા સ્પષ્ટ સંકેતો નજરે પડી રહ્યા છે.
