સામાન્ય પુરુષને તાલુકા પંચાયતનું પ્રતિનિધિત્વ આપવા માંગ ઉઠી
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પ્રમુખ પદને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે સામાન્ય સીટ અનામત હોવા છતાં મહિલા પ્રમુખ બનાવવાની અટકળોએ સ્થાનિક રાજકારણમાં આંતરિક ખેંચતાણ ઊભી કરી છે. માહિતી મુજબ ગત ટર્મમાં સામાન્ય મહિલા સીટ અનામત હોવાથી મહિલા પ્રમુખની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ આ વખતે સામાન્ય સીટ અનામત હોવાથી પુરુષ ઉમેદવારને પ્રતિનિધિત્વ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમ છતાં ફરી મહિલાને પ્રમુખ બનાવવાના પ્રયાસોની ચર્ચાએ તાલુકા પંચાયતના સભ્યોમાં અસંતોષ ફેલાવ્યો હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધી તાલુકા પંચાયતના પ્રમુખ પદ પર પાટીદાર સમાજની મહિલાઓને તક આપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે હવે પાટીદાર સમાજના પુરુષને પ્રતિનિધિત્વ આપવાની માંગ જોર પકડી રહી છે. મહિલા પ્રમુખ બનાવવાના મુદ્દે કેટલાક સભ્યોએ ખુલ્લો વિરોધ નોંધાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આંતરિક અસંતોષને પગલે મુદ્દો હવે સ્થાનિક સ્તરથી આગળ વધી રાજ્ય કક્ષાએ પહોંચ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક સભ્યોએ રાજ્યના મુખ્યમંત્રી તેમજ પ્રદેશ સંગઠન સુધી રજૂઆતો કરી સામાન્ય સીટ હોવાના કારણે પુરુષ ઉમેદવારને પ્રમુખ પદ માટે તક આપવા માંગ કરી છે. તાલુકા પંચાયતના પ્રમુખ પદને લઈને આગામી દિવસોમાં રાજકીય સમીકરણોમાં વધુ ગરમાવો આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
