• જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ ખાતેથી શખ્સને દબોચી લીધો
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ જુદા જુદા પોલીસ મથકોમાં ગુના આચરી નાસતા ફરતા ઈસમોને ઝડપી પાડવા માટે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. જેના અનુસંધાને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ટીમને મોટી સફળતા મળી છે.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં હત્યાની કોશિસ અને થાનગઢ પોલીસ મથકમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા પાંચેક વર્ષથી નાસતા ફરતા આરોપી ઉદયભાઈ દાદભાઈ કરપડા (રહે: કળમાદ, મૂળી) હાલ અમદાવાદ ખાતે છુપાયા હોવાની ચોક્કસ બાતમી LCB ટીમને મળી હતી.
આ બાતમીના આધારે LCB PI જે.જે. જાડેજા, PSI જે.વાય. પઠાણ, પ્રતાપસિંહ રાઠોડ અને પેરોલ ટીમના દશરથભાઈ રબારી, યુવરાજસિંહ સોલંકી સહિતના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે અમદાવાદ ખાતેથી આરોપી ઉદયભાઈ કરપડાને ઝડપી પાડ્યો હતો.
આરોપીની ધરપકડ બાદ તેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ધ્રાંગધ્રા પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર LCBની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
