ઝડપાયેલા બે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાક્રમનું પુનઃરવર્તન કરાયું
ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં ગત તા. ૩ માર્ચના રોજ પાઉંભાજીની રેકડી ધરાવતા એક યુવાન અને તેની પત્ની પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી હતી. આ બનાવમાં ચાર શખ્સોએ ધારિયા જેવા હથિયારથી હુમલો કરી યુવક અને તેની પત્નીને ઈજા પહોંચાડી હતી તેમજ યુવકની પત્નીનું મંગળસૂત્ર લૂંટી અને રેકડીમાં તોડફોડ કરી આશરે રૂ. ૧ લાખ જેટલા માલમત્તાની લૂંટ ચલાવી હતી.
બનાવને અંજામ આપ્યા બાદ ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ધ્રાંગધ્રા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીઓમાંથી બે આરોપી સંજય ચૌહાણ અને અંકિત રાવળને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ બાદ તેમને કાયદાનું ભાન કરાવી ઘટના અંગે વધુ માહિતી મેળવવા માટે બનાવના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે અને ફરાર અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
